પાડોશી રાજ્યનું સ્માર્ટ સિટી ધોલેરા કરતાં નીકળી ગયું આગળ, 4,000 કરોડનું રોકાણ થયું
ગુજરાતના ધોલેરા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ વચ્ચે સ્માર્ટ સિટીની સ્પર્ધા શરૂ થઇ છે પરંતુ પાડોશી રાજ્યનું આ સિટી ખૂબ આગળ નિકળી ગયું છે જ્યારે ગુજરાતનું સિટી નિયત મૂડીરોકાણને હજી પામી શક્યું નથી. ધોલેરામાં હાલ જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પ્રાઇવેટ રેસિડેન્સિયલ સ્કીમોમાં છે. આ સિટીમાં માત્ર આઠ થી દસ કંપનીઓએ કામ શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પાંચ વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે ધોલેરા સિટીમાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે પરંતુ આ સિટીમાં વસતી તો ઠીક માળખાકીય સુવિધાનો અભાવ વર્તાઇ રહ્યો છે.
એક ખાનગી કંપનીના સીઇઓએ કહ્યું હતું કે ગુજરાતમાં જો આ ઝડપે સ્માર્ટ સિટી વિકાસ પામતું રહેશે તો 2030 સુધીમાં બે લાખ લોકો પણ આ સિટીમાં વસતા નહીં હોય. ધોલેરામાં સૌથી મોટી સમસ્યા દરિયાના પાણીના કારણે ખારાશયુક્ત જમીન છે. મહત્વની બાબત એવી છે કે કોઇપણ જાતના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા વિના મહારાષ્ટ્રે મૂડીરોકાણમાં તેનું પ્રથમક્રમનું સ્ટેટસ જાળવી રાખ્યું છે.
ઔરંગાબાદ સિટી માટે મહારાષ્ટ્રે ગુજરાતમાં આવીને રોડ શો કરીને રોકાણ મેળવ્યું છે. મહારાષ્ટ્રના આ ઓરિક સિટીમાં 52 કંપનીઓએ કુલ 4000 કરોડનું રોકાણ કર્યું છે. ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં 90 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં 60,000 કરોડનું રોકાણ ઓરિક સિટીમાં આવશે. ગુજરાતની 115 કંપનીઓએ પણ ઓરિક સિટીમાં રસ દાખવ્યો હતો.
ઓરિક સિટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે, જેને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં 10,000 એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે. માર્ગો, સીઇટીપી-એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે.