गुजरात

મેહુલ ચોકસીના ભાઈએ ડોમિનિકામાં નેતાને લાંચ આપી, સ્થાનિક મીડિયાનો દાવો

નવી દિલ્હી. ભાગેડુ મેહુલ ચોકસી ના કેસમાં નવો વળાંક આવ્યો છે. એક તરફ તેને ભારત (India) લઈ આવવા સરકારે કમર કસી છે, બીજી તરફ મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચિનું ચોકસી એ (જે પણ બેંક ડિફોલ્ટર છે) ડોમિનિકામાં મેહુલ ચોકસીને બચાવવા પેંતરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ મેહુલ ચોકસીનો ભાઈ ચેતન ચોકસી ગત 29 મેના રોજ પ્રાઈવેટ જેટમાં ડોમિનિકા (Dominica) આવ્યો હતો. તેનો હેતુ મેહુલ ચોકસીને કસ્ટડીમાંથી છોડાવવાનો હતો.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, ચેતન ચિનુભાઈ ચોકસીએ ડોમિનિકાના વિરોધ પક્ષના નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત મારીગોટ ખાતે લેનોકસ લિંટોનના ઘરે 30 મેના રોજ થઈ હતી. બે કલાક ચાલેલી આ બેઠકમાં તેઓએ મેહુલ ચોક્સીની ધરપકડ સંબંધિત અનેક પાસાઓની ચર્ચા કરી હતી. આ સાથે જ ટોકન મની અને ઇલેક્શન ડોનેશનના બદલે વિપક્ષી નેતા આ બાબત સંસદમાં ઉઠાવશે તેવું નક્કી થયું હતું.

બંને વચ્ચે નક્કી થયું હતું કે, મેહુલ ચોક્સીના નાના ભાઈ ચેતન ચિનુ ભાઈ ચોક્સી ડોમિનિકન વિપક્ષી નેતાને ઇલેક્શન ભંડોળ આપશે. જેના બદલામાં વિપક્ષના નેતા સંસદમાં મેહુલ ચોકસીને અપહરણ કરી લેવાયો હોવાની થિયરી રજૂ કરશે.

વધુ વિગતો મુજબ ચેતન ચોકસીએ વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, મેહુલ ચોકસી પોતાની રીતે જ ડોમિનિકા પહોંચ્યો છે. પરંતુ કોર્ટમાં આ મામલો રફેદફે કરવા માટે તથા એન્ટીગુઆ અને ભારતીય પોલીસ દ્વારા ચોકસીનું અપહરણ કરાયું હોવાની થિયરીમાં ડોમિનિકા સરકારને વિશ્વાસ દેવડાવા વિરોધ પક્ષની જરૂર છે.

ચેતન ચોક્સીએ લેનોક્સ લિંટનને 200,000 ડોલર ટોકન મની પણ આપ્યું હતું, તેમજ આગામી સામાન્ય ચૂંટણીઓમાં તેમને એક મિલિયન ડોલરથી વધુની આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હોવાનું માનવામાં આવે છે. જેના બદલામાં ચોકસીનો મામલો સંસદમાં ચગાવવા અને મેહુલ ચોકસીનો પક્ષ લેવા માટે કહ્યું હતું.

સામાન્ય ચૂંટણીઓ ખરાબ રીતે હાર્યા બાદ વિપક્ષી નેતા શાંત હતા. જો કે, ટોકન મની મળ્યા પછી તેણે ડોમિનિકામાં ચોક્સીની ધરપકડ સંબંધિત નવી થિયરી ફેલાવવાનું શરૂ કર્યું હતું. મેહુલ ચોકસીના મુદ્દે શરૂઆતમાં લિંટન એક અઠવાડિયાથી વધુ સમય ચૂપ હતો. જોકે, ચેતન ચોક્સી સાથે બેઠક બાદ લિંટને આક્રમક રીતે સરકાર પર આક્ષેપ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડોમિનિકન વિપક્ષી નેતા પૈસા લઈ વચનો આપવા માટે કુખ્યાત છે. આ મામલે તેમનો લાંબો ઇતિહાસ છે. 2019માં ચૂંટણીઓના એક મહિના પહેલા નવેમ્બરમાં અલ-જઝિરાની ઇન્વેસ્ટિગેટિવ યુનિટે એક ડોક્યુમેન્ટરી રજૂ કરી હતી. જેમાં લગભગ 200,000 ડોલરના ઇલેક્શન ભંડોળના બદલામાં કેટલાક રોકાણકારોને ડિપ્લોમેટિક પાસપોર્ટ આપવાનું વચન લેનોક્સ લિંટન આપતા હોવાનો ધડાકો થયો હતો. આ મામલે અલ-જઝિરાએ વિપક્ષી નેતા દ્વારા સહી કરેલા દસ્તાવેજ પણ જાહેર કર્યા હતા. જેમાં તેમણે વડાપ્રધાન બન્યા બાદ જરૂરિયાત પૂરી કરવાનું વચન આપ્યું હતું.

Related Articles

Back to top button