રાજકોટ : સ્પામાં યોજાયેલી યુવક-યુવતીઓની દારૂ પાર્ટીમાં ‘ધિંગાણું’, ઈજાગ્રસ્ત યુવતીએ સિવિલમાં પણ મચાવી ધમાલ
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. તો બીજી તરફ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ યુવતીએ હોસ્પિટલ ખાતે પણ ધમાલ મચાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવતીનો સિવિલમાં માથાકૂટ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા new day spaમાં શનિવારની સાંજે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ મામલો બોલાચાલી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારબાદ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.