કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન..
જીએનએ કચ્છ
ભયંકર વૈશ્વિક મહામારી તરીકે ઝડપથી ફેલાયેલ કોવિડ-19 રોગચાળાની બીજી લહેર ને નાથવા માટે હાલ સમગ્ર દેશ જજુમી રહ્યો છે ત્યારે સમગ્ર દેશની સાથોસાથ કચ્છમાં પણ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન ગેસ ની ખેંચ અનુભવાઈ રહી છે ત્યારે માનવ જિંદગી બચાવવાના ઉદેશથી કચ્છના ઉદ્યોગો નું સંગઠન એવા ફોકીઆ દ્વારા વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓ ની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન ઘડેલ છે. ઓક્સિજન કનસન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુ માંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુ માં ફેરવે છે. અને તેનો ઓક્સિજન ફલૉ રેટ ૨ થી ૯ લિટર પ્રતિ મિનિટ એડજેસ્ટ કરી શકાય છે.
આ માટે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે માન. મંત્રી શ્રી વાસણભાઈ આહિર, માન. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલના માધ્યમથી ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આના પ્રતિસાદ રૂપે ફોકીઆ દ્વારા લગભગ ૨૭૫ જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો કે જેની કુલ કિંમત આશરે ૮૫ લાખ જેટલી થાય છે. પ્રથમ ચરણમાં આ પૈકી ફોકીઆને ૬૫ જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર મળેલા હતા કે જેને કચ્છ જિલ્લાના વિવિધ તાલુકા જેમ કે, અંજાર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપરમાં વિવિધ સામાજિક સંસ્થાઓને આપેલ હતા. કે જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ કોવિડ-19ના દર્દીઓને નજીવા દરે અથવા મફતમાં ઉપયોગ માટે આપવાનો છે.
આ પહેલ અંતર્ગત દ્વિતીય ચરણમાં લખપત અને અબડાસા તાલુકામાં જરૂરિયાત મુજબ ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન ઘડવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ સંદર્ભે ફોકીઆના ડાયરેક્ટર & પ્રોજેક્ટ ચેરમેન, શ્રી તલક્ષી નંદુએ ઉદ્યોગગૃહો, દાતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ નો સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફોકીઆના જીગર મકવાણા અને કમલેશ દેવરીયાએ ઉપકરણો ની ખરીદી તેમજ કંપનીના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી સહયોગ પૂરો પાડેલ હતો. આ ઉપરાંત દીપકભાઈ પારેખ નો પણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.