રાજકોટના આ ગામથી કોરોના માઇલો દૂર! રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું સંધી કલારીયા ગામ, કોરોનાનો એક પણ કેસ નહીં!
ઉપલેટા: કોરોનાની બીજી લહેર માં કોઈ શહેર કે ગામ કોરોનાથી બચી શકે તેવું ખૂબ મુશ્કેલ છે. જોકે, ઉપલેટા તાલુકાના સંધી ક્લારિયા ગામ માં કોરોનાનો એક પણ કેસ હજી સુધી નોંધાયો નથી. આ પાછળ ગામ લોકોની જાગૃતિ છે. ગામમાં કોઈને કોરોના ન થાય તે માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા અને નિયમો બનાવ્યા છે. જે પ્રમાણે ગામમાં મેળાવડા, ફેરિયા અને બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેર ગામડે ગામડે પોહોંચી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધી કલારીયા ગામમાં આજ દિન સુધી કોરોના પહોંચ્યો નથી. 750 લોકોની વસ્તી ધરાવતું સંધી કલારીયા ગામના લોકોની જાગૃતતાને લઈને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યું છે. આ ગામમાં ઉકાળા વિતરણ અને ઘરે ઘરે જઈને સતત હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવી રહી છે.
ગામડાની વાત આવે એટલે શુદ્ધ હવા, પાણી, ખોરાક બધું જ મળી રહે છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજી લહેરમાં ગામડાઓમાં પણ તેની ખૂબ અસર દેખાઈ રહી છે. એવામાં અમુક ગામો એવા છે જેનાથી કોરોના હજુ માઇલો દૂર રહ્યો છે. આવું જ એક ગામ એટલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું સંધી કલારીયા. આ ગામમાં સામાજિક મેળાવડા, ફેરિયા અને ગામ બહારના લોકોને પ્રવેશ પર તેમજ ગામના લોકોને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે આજદિન સુધી આ ગામ કોરોનાપ્રૂફ બની રહ્યું છે.