મહેસાણા: ટેન્કરની ટક્કરે વાહન 100 ફૂટ ઢસડાયું, માતા-પુત્રનું મોત, પરિવાર કોવિડમાં સેવા કરીને પરત આવતો હતો

મહેસાણા: મહેસાણાના લિંક રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોમવારે રાતે ભાટિયા પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરની કેન્ટિનમાં સેવા બજાવીને ઘરે પરત આવી રહ્યાં હતા. ત્યારે લગભગ 9.30 કલાકે મહેસાણા શહેરના સાંઈબાબા બ્રિજ નજીક વળાંક પાસે ટેન્કર ચાલકે ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ગંભીર ઇજા થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ગમખ્વાર અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર ખઇ ગયો હતો. પરંતુ ભાગી રહેલા ટેન્કર ચાલકને રામપુરા ચોકડી નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.
ભાટિયા પરિવાર ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફલેટમાં રહે છે. આ પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરમાં કેન્ટીનની સેવા આપતો હતો. જે પુરૂ કરીને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. સંદિપભાઇ ભાટિયા સોમવારે રાત્રે ડીઓ (જીજે 2 ડીઆઈ 1561) લઈને (38 વર્ષ) પત્ની વનિતાબેન અને (17 વર્ષ) પુત્ર હેત સાથે ઘરે પરત જઇ રહ્યાં હતા.
ત્યારે જ સાંઈબાબા બ્રિજ નજીક વળાંકમાં ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. જે બાદ ટેન્કર પરિવારને 100 ફૂટ સુધી ઢસડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.