સુરત: રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ઝડપાયેલા બે ડૉક્ટરને 15 દિવસ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની સજા

સુરત: તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શન ની કાળાબજાર કરનાર છ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચાર આરોપીને જેલ (Jail)ના હવાલે કરી દીધા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે તબીબોની જરૂર હોવાને કોર્ટે બંને આરોપી તબીબોને કોવિડ હૉસ્પિટલ માં 15 દિવસ સેવા આપવાની શરત સાથે જામીન આપ્યા હતા. જો, બંને ડૉક્ટર કોવિડ હૉસ્પિટલમાં સેવા નહીં કરે તો તેમના જામીન નામંજૂર કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે આ પ્રકારની સજા પ્રથમ વખત ફટકારવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીરની કાળાબજારી કરનારા કુલ છ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ડૉક્ટર ઉપરાંત આરોપી જેનિશ કાકડિયા, ભદ્રેશ નાકરાણી અને જૈમિશ જીકાદરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જૈનિશ કાકડિયા તેના સાગરિતો સાથે રેમડેસિવીર ઇન્જેકશનની કાળાબજારી કરી રહ્યો છે. આરોપી જૈનિશનો પીછો કરીને પોલીસે ત્રણ ઇન્જેક્શન કબજે લીધા હતા. આ ઇન્જેકશન ભદ્રેશ નાકરાણી પાસે 39 હજારમાં લીધા હોવાનું કબૂલ્યું હતું. આ રૂપિયા એપ્લિકેશન મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.