गुजरात
રાત્રિ કર્ફ્યૂમાં લગ્ન પ્રસંગ ભારે પડ્યો, આમંત્રણ વગરના ‘મહેમાન’ વરરાજાનું ‘તેડું’ કરી ગયા

નવસારી : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત 29 શહેરોમાં દિવસે પણ અનેક પ્રતિબંધ છે. આ શહેરોમાં નવસારીનો સમાવેશ પણ થાય છે. જોકે, પોલીસ અને સરકારની વારંવારની સૂચનાઓ છતાં લોકો જાણે કે સુધરવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન ગઈકાલે રાત્રે વીજલપોરમાં યોજાઈ રહેલા એક લગ્ન પ્રસંગમાં પોલીસ વગર આમંત્રણે મહેમાન બની ત્રાટકી હતી.
નવસારી જિલ્લાના વિજલપોરીના આકારપાર્ક ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં રાત્રિના કર્ફ્યૂના સમયે પણ જમણવાર યોજાઈ રહ્યો હોવાની જાણ થતા જ પોલીસનો કાફલો મહેમાન બનીને ત્રાટક્યો હતો. રાત્રિ કર્ફ્યૂમાં પ્રસંગો ન યોજવાની મનાઈ હોવા છતાં યોજાઈ રહેલા આ લગ્ન મહોત્સવમાં પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી હતી.