गुजरात

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની પહેલ: સરકાર આપની સેવામાં: સોલા સિવિલ ખાતે વોર્ડમાં કોવીડના દર્દીઓને મળવા ‘ટીમ અમદાવાદ’ પહોંચી.

અનિલ મકવાણા

જીએનએ અમદાવાદ

 

વૈશ્વિક મહામારીમાં કદાચ એવું પહેલીવાર એવું બની રહ્યું છે કે સ્વજનો પણ દર્દી પાસે જતા ડરે, પણ જનસેવાને વરેલી ‘ટીમ અમદાવાદ’ કોવીડગ્રસ્ત દર્દીઓના વોર્ડમાં જઈ તેમના ખબર-અંતર પૂછ્યા અને અન્ય જિલ્લા વહીવટીતંત્ર માટે પ્રેરણારુપ કામગીરી કરી.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર અને સચિવ શ્રી હારિત શુક્લાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પીનાબહેન સોનીએ સોલા સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં જઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને દર્દીઓને હૈયાધારણ આપી કે, ચિંતા કરશો નહીં. સરકાર આપની સેવામાં રાત-દિવસ કાર્યરત છે.

‘ટીમ અમદાવાદ’એ કોવીડગ્રસ્ત દર્દીઓને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું અને તેમને અહેસાસ કરાવ્યો કે આ સંકટના સમયમાં સરકાર આપની સાથે છે.‘ અધિકારીશ્રીઓએ તેમને તમામ સારવાર અને સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. સેવા પરમો ધર્મ’ ના ધ્યેયમંત્રને વરેલા કર્મયોગીઓએ વેન્ટીલેટર વોર્ડ, આઈસીયુ વોર્ડ, ઓક્સિજન વોર્ડ અને બાયપેપ વોર્ડની મુલાકાત લીધી હતી. અધિકારીશ્રીઓએ આ મુલાકાત દરમિયાન દર્દીઓ પાસેથી સારવાર, ઓક્સિજનની ઉપ્લબ્ધતા, આહાર અને સ્વચ્છતા જેવા મુદ્દે પ્રતિભાવો મેળવ્યા હતા.

એટલું જ નહીં, ‘ટીમ અમદાવાદ’એ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓને મળીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. ઉચ્ચ અધિકારીશ્રીઓની આ મુલાકાતના પગલે આરોગ્યકર્મીઓના મુખ પર સંતોષનો અનેરો ભાવ જોવા મળતો હતો.

આમ, ‘સ્વથી ઉપર સેવા’નો ભાવ ધરાવતા અધિકારીની કોવીડગ્રસ્ત વોર્ડની મુલાકાતે એ પુરવાર કર્યું છે કે ક્યારેક સ્વજન પણ દર્દીને છોડે, પણ સરકારના હૈયે તો હંમેશા નાગરિકનું હિત જ રહેલું છે. અને ગમે તેવા કપરા સંજોગોમાં પણ તે નાગરિકોની સાથે છે.

Related Articles

Back to top button