અમદાવાદ : દુકાન માલિકે વસ્તુ લેવા આવેલી પરિણીતાના ગાલે બચકું ભરી લીધું
અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તાર માં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને દુકાનદાર નો ખરાબ અનુભવ થયો હતો. આ મામલે પોલીસ મથકે (Police Station) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે 30 વર્ષની પરિણીતા સાથે એક દુકાન માલિકે ખરાબ વર્તન કર્યું હતું. દુકાને ખરીદી માટે આવેલી પરિણીતા ને દુકાન માલિકે ગાલે બચકું ભરી લીધું હતું અને તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોરમાં ખરીદી કરવા ગઈ હતી. અહીં ખરીદી કરી સામાન મૂકી તે પરત દુકાનમાં આવી હતી ત્યારે દુકાન માલિકે કંઈ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.
મહિલાએ આ ઘટના બાદ ગુસ્સામાં આવીને આરોપીને પાઠ ભણાવવા માટે એક તમાચો ચોડી દીધો હતો. જે બાદમાં મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને પતિની મદદથી આ મામલે ફરિયાદ દાખલ કરી હતી.