જીએનએ અમદાવાદ
કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન એક કરી રહ્યો છે, તેવા સમયે સિવિલ હોસ્પિટલમાં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે.
જામનગરના નિવાસી દિનુભાઈ મામદને છેલ્લાં ૪ વર્ષથી કમરમાં અસહ્ય દુઃખાવા અને બંને પગમાં ઝણઝણાટીથી પીડાઈ રહ્યાં હતાં. મે -૨૦૧૯માં દર્દીએ જામનગર સિવિલમાં ઓપરેશન કરાવીને ગાદી કઢાવી હતી અને પાંજરું (કૅજ) મૂકાવ્યુ હતું. ઓપરેશન બાદ દિનુભાઈને ચેપ લાગતા પરુ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ દિનુભાઈના બીજા બે ઓપરેશન થયા, જે પૈકીના એકમાં સાફસફાઈ થઈ અને બીજામાં કમરમાં નાખેલા સ્ક્રૂ બદલવા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આટઆટલું કરવા છતાંય દિનુભાઈની દુઃખાવા અને પરુ નીકળવાની તકલીફમાં કોઇ જ ફરક ન પડ્યો.
છેલ્લે ત્રીજું ઓપરેશન કરાવીને બધા સ્ક્રૂ કઢાવી નાખ્યાં, પરંતુ ચેપ તો કમરમાં નાખેલા પાંજરામાં જ લાગેલો હતો અને એ પાંજરુ જ કઢાયું નહોતું. આ પરિસ્થિતિમાં દર્દીની સ્થિતિ ખુબ જ દયનીય બની જતી હોય છે, કેમકે દર્દીને બેઠા થવા સહિત દરેક કાર્યમાં ખુબ પીડા થતી હોય છે. દિનુભાઈની પીડા જોઇને તેમના સગાવ્હાલાંએ ઘણી બધી ખાનગી હોસ્પિટલો અને ઓર્થોપેડિક ડૉક્ટર્સનો સંપર્ક કર્યો પણ બધે થી રાહતના નામે નિરાશા જ મળી.
કોરોના હોય કે ભલભલી આપદાના કપરા કાળમાં પણ આપણાં સમાજમાં ઘણાં એવા લોકો હોય છે કે જેમની અન્ય શારીરિક સમસ્યાઓ ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોય છે અને તેમના માટે વિકરાળમાં વિકરાળ આપદાઓ પણ ગૌણ બની જતી હોય છે. દિનુભાઈ માટે આ જ સ્થિતિ હતી.
અહીંથી જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભૂમિકા શરૂ થાય છે. દિનુભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. X-Ray, MRI, CT સ્કેન સહિતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે દિનુભાઈની કમરમાં નાખેલા પાંજરામાં જ ચેપ લાગેલો હતો. કરોડરજ્જુમાં આ પ્રકારની રિવિઝન સ્પાઇન સર્જરી ખુબ જ જટિલ હોય છે કારણકે તેમાં કરોડરજ્જુમાં આવેલી ચેતાતંતુઓ ડેમેજ થવાનો,ઓપરેશન દરમિયાન ફરી ચેપ લાગવાનો પણ ભય હોય છે.
આ બધા જોખમોને ગણતરીમાં લીધા બાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે દિનુભાઈનું જટિલ અને અતિ જોખમી ઓપરેશન કરવાનો પડકાર ઝીલ્યો. કરોડરજ્જુના ભાગે સાફસફાઇ કરી પાંજરું કાઢવામાં આવ્યું અને ફરી સ્ક્રૂ નાખીને મણકા સ્થિર કરવાનું ઓપરેશન નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. દિનુભાઈ પરની સર્જરી સફળ રહેતા હવે દિનુભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ છે. પરુ નીકળતું પણ બંધ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલના તબીબોની તજજ્ઞતા અને દર્દી પ્રત્યેની સમર્પિતતાના પ્રતાપે હવે દિનુભાઈ અને તેમના પરિવારજનો રાહત અનુભવી રહ્યાં છે અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.