આજથી સ્ટોક નહીં આવે ત્યાં સુધી Zydus હૉસ્પિટલમાં નહીં મળે રેમડેસિવીર ઈન્જેકશન, આવું કારણ હોવાની ચર્ચા

ઝાયડસ કંપની દ્વારા અન્ય કંપનીઓની સરખામણીએ સૌથી ઓછા ભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા થોડાક દિવસો પહેલાં જ જાહેરાત કરાઇ હતી કે 900 રુપિયે એક રેમડેસિવર ઈન્જેકશન મળશે. જેથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ આ ઈન્જેકશન લેવા અમદાવાદ પહોંચી રહ્યા હતા. ત્યારે શુક્રવારે ઝાયડસ દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, સ્ટોકના અભાવે 10 એપ્રિલ એટલે કે શનિવારથી રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.
હવે આ વેચાણ ક્યારથી શરૂ થશે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી દર્દીઓની મુશ્કેલીમાં ભારે વધારો થઇ રહ્યો છે. કારણ કે, એકબાજુ સરકાર દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનનો પુરતો જથ્થો હોવાના દાવા કરાઈ રહ્યા છે .પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની આગામી દિવસમાં મુશ્કેલીઓમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, સૌથી વધુ ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીર ઈન્જેકશન લેવા ધસારો જોવા મળતો હતો.
અત્યાર સુધી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીના સગાઓ તબીબની સલાહ મુજબ સસ્તા ભાવે રેમડેસિવીર ઈજેકશન લેવા અમદાવાદ ઝાયડસ જઈ રહ્યા હતા. આ ઈજેકશન મામલે સરકાર દ્વારા પુરતો સ્ટોક હોવાના દાવા કરાઈ રહ્યા છે , પરંતુ વાસ્તવિક સ્થિતિ ભયાવહ છે.