ભારતમાં કોરોનાનો કહેર યથાવત: સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોના નો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં નવા કેસની નવી ઊંચાઈ બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે.
દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે. કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.