કોરોનાના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું રસપ્રદ તારણ, કયા ગ્રૂપના ડોક્ટર્સ એક પણ વાર નથી થયા સંક્રમિત?
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 3 હજાર નજીક પહોંચી ગયા છે. કેટલાય કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોનું રસપ્રદ તારણ સામે આવ્યું છે.
આ તારણ પ્રમાણે O પોઝિટિવ અને B પોઝિટિવ બ્લડગ્રુપ ધરાવતા તબીબો કોરોના સંક્રમિત ઓછા થવાની સ્થિતિ છે. 1200 બેડમાં કાર્યરત તબીબો જેમના બ્લડગ્રુપ O પોઝિટિવ અને B પોઝિટિવ છે તેઓ એક પણ વખત સંક્રમિત નથી થયા.
હાલ 7 થી 10 જેટલા તબીબોને લઈને ચર્ચા કરવામાં આવી છે. 7 થી 10 હજાર લોકો ઉપર સર્વે કર્યા બાદ નક્કર પરિણામ મેળવી શકાય. કોરોનાની બીજી લહેર બાદ તબીબો વિચારણા કરીને રાજ્ય સરકારને આ અંગે સર્વે માટે રજુઆત કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે (Nitin Patel) શનિવારે વડોદરા ખાતે કોરોનાને લઈ સમીક્ષા કરી હતી. જે બાદ જણાવ્યું કે રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનું (Corona Protocol) ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે. રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે. આ ટીમો રવિવારથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે
લોકડાઉનને લઈ શું બોલ્યા નીતિન પટેલ
વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે ઉમેર્યુ કે,રાજયમા હાલ ૨૨૦૦ થી ૨૫૦૦ કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ. રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની (Gujarat Lockdown) આવશ્યકતા જણાતી નથી જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.
તેમણે ઉમેર્યુ કે, રાજયના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેટરને સત્તા આપી દેવાઈ છે. એટલું જ નહી અન્ય રાજયોમાં થી ગુજરાતમાં આવતા નાગરિકો નો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે, જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં કેસો વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓની સારસંભાળ અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ. વડોદરા શહેરમાં પણ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે રાજ્યમાં કોરોના દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.