અમદાવાદમાં સરનામું પૂછતી ગેંગનો આતંક વધ્યો: 75 વર્ષના વૃદ્ધાની સોનાની ચેઇન અને વીંટી ખેંચીને ફરાર

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનો જાણે કે તસ્કરો અનેેેે લૂંટારું ઓના સોફ્ટ ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક દિવસ પહેલા પણ શહેરના સોલા વિસ્તારમાં લૂંટારુંઓએ વૃદ્ધ દંપતિની હત્યા કરી હતી. શહેરના વાસણા વિસ્તારમાંથી એક વૃદ્ધાને વાતોમાં ભોળવીને બે ગઠિયાઓ તેની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે હવે શહેરના રાણીપ વિસ્તારમાં રિક્ષામાં આવેલા ત્રણ શખ્શો વૃદ્ધાને સરનામું પૂછવાના બહાને ઝપાઝપી કરીને સોનાની ચેઇન અને હાથમાંથી વીંટી ખેંચીને ફરાર થઈ ગયા છે. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાણીપ રાધાસ્વામી રોડ પર રહેતા 75 વર્ષીય મોતીબેન મકવાણા ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેમના મોટાભાઈના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે જઇ રહ્યા હતા. ઘરની બહાર ઢાળ હોવાથી ફરિયાદી ઉંમરનાં કારણે ધીમે ધીમે ઢાળ ચઢી રહ્યા હતા. ત્યારે એક રિક્ષામાં ત્રણ લોકો આવ્યા હતા. અને રિક્ષામાં પાછળ બેઠેલા ઈસમે ફરિયાદીને પૂછ્યું હતું કે, ખોડીયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે. મારે મંદિરે જવું છે. હું અજાણ્યો છું.
જોકે, ફરિયાદીએ મંદિર જોયું ના હોવાથી તેઓ ત્યાંથી તેમના ભાઈના ઘર તરફ જવા રવાના થયા હતા. ત્યારે આ ઈસમે પાછળથી આવી ફરિયાદીની સોનાની ચેઇન ખેંચીને ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે વૃદ્ધાએ હિમંત કરી તેને પકડી લીધો હતો. જે બાદ થોડી ઝપાઝપી કરીને આ શખ્સ ચેઇન અને ફરિયાદીએ પહેરેલી વીંટી ખેંચીને ફરાર થઈ ગયો હતો.