સુરત : હ્રદય દ્રાવક વીડિયો, પાલિકાએ લારી ચલાવતા બાળકને 400 રૂપિયા દંડ કર્યો, માસૂમની આંખેથી ગંગા-જમના વહી
સુરત : ‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ આ ગુજરાતી કહેવત સૌએ સાંભળી હશે, અનુભવી પણ હશે પરંતુ તેની સૌથી વધુ સાર્થકતા હાલ સુરતના એક કિસ્સામાં જોવા મળી રહી છે. સુરતના આ વાયરલ કિસ્સામાં એક બાળકની ગરીબી અને મજબૂરીનો ‘લાભ’ ઉઠાવતી પાલિકાની દંડ ટીમે માનવતાને મારી નાંખી છે. રસ્તા પર લારી ચલાવીને પેટિયું રળવું તે કાયદાની કઈ કલમ હેઠળ ગુનો છે તે સાબિત કરવામાં સેકન્ડો પણ વેઠતા પાલિકાના અધિકારીઓએ રોજના 400 રૂપિયા ન કમાઈ શકતા એક ગરીબ બાળકને 400 (400 Rs Fine)રૂપિયાનો તઘલખી દંડ ફટકારી દીધો. સુરતના એક બાળકને લારી ચલાવવા બદલ ફટકારેલા દંડનો વીડિયો સોશિયલ મીડિયામાં વયારલ થઈ રહ્યો છે. વીડિયો વરાછા કે કતારગામનો હોવાનું અનુમાન છે. જોકે, વીડિયો જ્યાંનો પણ હોય પરંતુ અંગ્રેજ હકૂમતની યાદ અપાવે છે. પાલિકાના દંડના કોરડે લાલચોળ થયેલો બાળક જ્યારે દડદડ આંસુડા સારે છે ત્યારે લોકોની માનવતા જાગી ઉઠે છે. આ વીડિયો જોઈને સાશકો પણ કદાચ દ્રવી ઉઠશે.
બનાવની વિગત એવી છે કે સુરતના વોટ્સએપ ગ્રુપ્સમાં એક વાયરલ વીડિયો ધૂમ ફોરવર્ડ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગરીબીની દાસ્તાન અને તાનાશાહીની છાંટ જોવા મળી રહી છે. જ્યાં એક લારી ચલાવતા બાળકને પાલિકાના અધિકારીઓ દ્વારા 400 રૂપિયા દંડ આપવામાં આવ્યો હતો.
આ બાળક પેટિયુ રળવા માટે મજૂરી કરે છે અને રોજના 400 રૂપિયા પણ કમાઈ નથી શકતો ત્યારે ઘટનાથી સમસસમી ગયેલા નાગરિકો એકઠા થઈ જાય છે. બાળકને રાહદારીઓ મદદ પણ કરવા માંગે છે પરંતુ તેની ખુદ્દારી જોઈને કોઈને પણ ગર્વ સાથે પીડા થશે.
બાળક રડતા રડતા કહે છે કે દંડ નહીં ભરું તો લારી ઉઠાવી જશે. ગુસ્સે ભરાયેલો એક રાહદારી ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને કહે છે કે બેટા લઈલે અને દંડ ભરી આપજે. જોકે, બાળકની ખુદ્દારી એવી કે તેણે પૈસા ન સ્વીકાર્યા. આ ઘટનાનો વીડિયો રાહદારીએ લઈને ફોરવર્ડ કર્યો જોત જોતામાં હજારો માણસોના મોબાઇલ રણકવા લાગ્યા. સુરતનો આ વીડિયો કદાચ હજારો વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થઈ ગયો હશે.