એક જ દિવસમાં 5 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, વિધાનસભા સત્ર દરમિયાન 9 MLA સંક્રમિત
રાજ્યમાં દિન-પ્રતિદિન વધતો કોરોનાનો કહેર હવે વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો છે. વિધાનસભામાં ચાલતા બજેટ સત્ર દરમિયાન મંગળવારે એક જ દિવસમાં પાંચ ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા. તો સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ નવ ધારસભ્યો કોરોનાથી સંક્રમિત થયા.
ગઈકાલે એક જ દિવસમાં ભાજપના ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા કોરોના સંક્રમિત થયા. તો કૉંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા છે.
આ અગાઉ અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલ તથા દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા હતાં. જોકે બંને ધારાસભ્ય હાલ કોરોનામુક્ત થઈ ચૂક્યા છે. તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સુરતના મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા કોરોના પોઝિટીવ થયા બાદ હાલ તેની સારવાર ચાલી રહી છે.
એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થતા વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીએ પોઝિટીવ આવનારા ધારાસભ્યોની આસપાસમાં બેસતા અન્ય ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. વકરતા કોરોનાના સંક્રમણને લઈને સાંજે વિધાનસભા અધ્યક્ષ અને સિનીયર મંત્રીઓની એક બેઠક મળી હતી. જેમાં વિધાનસભા સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. એટલે કે વિધાનસભા સંકુલમાં અધિકારીઓ અને ધારાસભ્ય સિવાય કોઈને પણ પ્રવેશ નહીં આપવામાં આવે.