ગુજરાતમાં રસીકરણ વધારીશું, લોકો બિનજરૂરી બહાર ન નીકળે: વિજય રૂપાણી

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કોરોના ની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પત્રકારોને સંબોધ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હૉસ્પિટલ માં બેડ તૈયાર રાખ્યા છે. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લૉકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી. આ ઉપરાંત શાળા-કૉલેજો શરૂ રાખવી કે નહીં, તેમજ પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવું તે અંગે સરકાર બહુ ઝડપથી નિર્ણય કરશે તેમ મુખ્યમંત્રી જણાવ્યું હતું.
રસીકરણ વધારીશું: વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે પગલાં લેવાની સૂચના આપવાની સાથે સાથે વેક્સીનેશન વધારવાની વાત કરી છે. હાલ ગુજરાતમાં દરરોજ ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ક્ષમતા બે ગણી કરવામાં આવશે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોનાના કેસ વધ્યા છે.