Dandi Yatra: ભારતમાં આજના દિવસે જ શરૂ થઈ હતી ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત

અમદાવાદ. 12 માર્ચ ની તારીખ ભારતના રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન ના ઈતિહાસમાં ખૂબ જ અગત્યની તારીખ છે. આજના જ દિવસે મહાત્મા ગાંધી એ ભારતની આઝાદી માટે સવિનય અવજ્ઞા આંદોલનની શરૂઆત કરતાં દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરૂ થયેલી આ યાત્રાનો ઉદ્દેશ્ય તેના અંતમાં મીઠાના કાયદાને તોડવાનો હતો જે અંગ્રેજો ની વિરુદ્ધ દેશભરમાં વિરોધનો એક મહત્ત્વનો સંકેત હતો.
એક સુનિયોજિત આંદોલન
મહાત્મા ગાંધીએ અંગ્રેજોના બનાવેલા અન્યાયપૂર્ણ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો. આ યાત્રાની એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી હતી. તેમાં કૉંગ્રેસે તમામ નેતાઓની ભૂમિકા નક્કી કરી હતી. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજોએ ધરપકડ કરી તો કયા કયા નેતા યાત્રાને સંભાળશે. આ યાત્રાને મોટાપાયે જન સમર્થન મળ્યું અને જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ, અસંખ્ય લોકો તેની સાથે જોડાતા ગયા.
ગાંધીજી રોજ 16 કિલોમીટર ચાલતા હતા
અંગ્રેજોના મીઠા કાયદાની વિરુદ્ધ ગાંધીજીએ પોતાના 79 સાથીઓની સાથે 240 માઇલ એટલે કે 386 કિલોમીટર લાંબી યાત્રા કરી નવસારીના એક નાના ગામ દાંડી પહોંચ્યા જ્યાં દરિયાકાંઠે પહોંચીને તેઓએ સાર્વજનિક રીતે મીઠાના કાયદાનું ઉલ્લંઘન કર્યું. 25 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં બાપૂ રોજ 16 કિલોમીટરની યાત્રા કરતા હતા. ત્યારબાદ તેઓ 6 એપ્રિલે દાંડી પહોંચ્યા હતા.