गुजरात

યુવતીને મિત્રતાનો કડવો અનુભવ! પહેલા ખરાબ મેસેજ આવ્યા અને પછી ગુમાવ્યા 1.20 લાખ રૂપિયા

અમદાવાદ: દરેક યુવતી જ્યારે કોઈ પુરૂષ સાથે મિત્રતાના (friend) સંબંધ બાંધે છે ત્યારે પરિવારજનો તેની ચિંતા કરતા હોય છે. કારણકે યુવતીઓ સાથે મિત્રતા કરી કેટલાય યુવકો તેનો ગેરફાયદો અલગ અલગ રીતે ઉપાડે છે. આવો જ એક કિસ્સો શહેરના  નવરંગપુરા પોલીસના ચોપડે નોંધાયો છે. એક યુવતી કે જેને ઇન્સ્ટાગ્રામ  પર ખરાબ મેસેજો આવતા તેણે યુવક મિત્રની મદદ લીધી હતી. પણ બાદમાં આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આ જ યુવક મિત્ર આરોપી નીકળ્યો અને તેની પોલીસે ધરપકડ પણ કરી હતી.

યુવકે યુવતીનો મોબાઇલ હેક કર્યો

આ યુવક મિત્રએ માત્ર મેસેજો જ કરવાનો ગુનો કર્યો હોય તેવું નહોતું પણ મદદના બહાને યુવતીનો ફોન એક દિવસ પોતાની પાસે રાખી મોબાઈલ હેક કરી ક્યુઆર કોડ સ્કેન કરાવી એક બાદ એક ટ્રાન્ઝેક્શન કરી 1.20 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. યુવતીએ આ અંગે પણ પોલીસને અરજી આપી હતી જે બાબતે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બેંક બેલેન્સ માત્ર બે હજાર રહી ગયુ હતું

સૈજપુર બોઘા ખાતે રહેતા રીનાબહેન રાઠોડ નવરંગપુરા ખાતે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમનું એક ખાનગી બેંકમાં એકાઉન્ટ છે અને તેનો ઉપયોગ તે એકલા કરે છે. સાથે સાથે તેઓ ગૂગલ પેનો ઉપયોગ કરતા હોવાથી તે એકાઉન્ટ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલું છે. ગત 1.9.2020 ના રોજ તેઓ તેઓ સાંજે નોકરીએથી ઘરે જતા હતા. ત્યારે નવરંગપુરા બસસ્ટેન્ડ પાસે પહોંચતા જ એકાઉન્ટની વિગત ફોનમાં જોતા માત્ર બે હજાર રૃપિયા બેલેન્સ હતું. જોકે હકીકતમાં 1.15 લાખ રૂપિયા બેલેન્સ હતું. પણ બાકીના નાણાં એકાઉન્ટમાંથી ગાયબ થતા તેઓ ઓફિસે પહોંચ્યા અને બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું.

મિત્રએ જ ખાલી કર્યું એકાઉન્ટ

બીજે દિવસે રીનાબહેન બેંકમાં ગયા હતા જ્યાં એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં જોતા ઓગસ્ટ માસમાં છ હજાર જય ચૌહાણ નામના વ્યક્તિના એકાઉન્ટમાં પેટીએમથી ટ્રાન્સફર થયા હતા. બાદમાં સ્ટેટમેન્ટ વિગતવાર જોતા અલગ અલગ તારીખો દરમિયાન અનેક રૂપિયા અલગ અલગ વ્યક્તિ કે કોઈ કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાનું જણાયું હતું. આ નાણાં ટ્રાન્સફર તો થયા પણ રીના બહેનને કોઈ મેસેજ ન આવતા તેઓને આ દરમિયાન જાણ જ થઈ નહોતી. અમુક નાણાં જય ચૌહાણ નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે જય ચૌહાણ અન્ય કોઈ નહિ પણ રીનાબહેનનો જ મિત્ર છે. જેને તેઓ બે વર્ષથી ઓળખે છે.

યુવક યુવતી અવારનવાર મળતા હતા

જય હર્બલ લાઈફ કંપનીમાં નોકરી કરે છે અને નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે રહે છે. રીનાબહેન અને જય અવાર નવાર સ્વસ્તિક રોડ પર મળતા પણ હતા. ચાલુ વર્ષે કોઈ અજાણી વ્યક્તિ રીનાબહેનને ઇન્સ્ટાગ્રામ પર ખરાબ મેસેજ કરતા તેમણે જયની મદદ લીધી હતી. જયને તેમણે એક દિવસ માટે ફોન આપ્યો હતો. ત્યારે જયૈ એક ક્યુઆર કોડ સ્કેન કરાવી મોબાઈલ ફોન પરત આપી દીધો હતો.

Related Articles

Back to top button