સુરત: ગૂગલનો ઉપયોગ કરી આંતરરાજ્ય ગેંગ ખાલી કરતી હતી લોકોના બેંક ખાતા, જાણો મોડસ ઓપરન્ડી
સુરત: સાયબર ક્રાઇમ દ્વારા ગૂગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ (Mobile code)સર્ચ કરી તેની પાછળ 6 નંબર એડ કરી કોલ અને મેસેજ કરી બેંકના કર્મચારી ઓળખ આપી એટીએમ કાર્ડ બ્લોક (ATM Card block) થઇ ગયો છે, લકી ડ્રો (lucky draw) લાગ્યો છે જેવી વાતો કરી એટીએમ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર મેળવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતી આંતરરાજય સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
બેંકના કર્મચારીની ઓળખ આપતા
સુરતમાં સતત છેલ્લા ઘણાં સમયથી સાંઠી બેંકના કર્મચારી ઓળખ આપીને લોકોના એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયા છે કહીને તેમની વિગત મેળવી છેતરપિંડીની સતત ઘટના બનતી હોવાની ફરિયાદ સામે આવતી હતી. ત્યારે આવી એક ગેગે સુરતમાં સક્રિય હોવાનું ખબર પડતા પોલીસે આવી આંતરરાજય ગેંગેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચિન-હજીરા રોડ સ્થિત ગભેણી નજીક બલેનો કાર નં. જેએચ-10 બીવાય-7878 માં પસાર થતા સફાર મોહમદ બશીર અંસારી, મહંમદ મેહતાબ અશરફ અલી અંસારી , અબ્દુલ ગફાર મોહમદ બશીર અંસારી મો. અબ્દુલ સફીક મીયા અંસારી , મોહમદ સિરાજુદ્દીન નિઝામુદ્દીન અંસારી અકબર અજીમમીયા અંસારીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાળ્યા હતા.
બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા
આરોપી પાસેથી મોબાઇલ ફોન 4 નંગ, રોકડા રૂા. 42 હજાર, 28 નંગ સીમકાર્ડ, ડેબિટ કાર્ડ 3 અને પાનકાર્ડ મળી કુલ રૂા. 6.87 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ઉપરોકત તમામ આરોપીઓ ગુગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ સર્ચ કરી તેમાં કોઇપણ છ નંબર એડ કરી કોલ કરતા હતા. કોલ કરતી વખતે પોતાની ઓળખ બેંકમાંથી બોલે છે એમ કહી એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયો છે, તમને લકી ડ્રો લાગ્યો છે જેવી અલગ-અલગ કારણો જણાવી વાતોમાં ફસાવી બેંક એકાઉન્ટ સબંધિત માહિતી જેવી કે એટીએમ કાર્ડના 16 ડિજીટ, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર મેળવી લેતા હતા. જે બાદ એકાઉન્ટ ધારકની જાણ બહાર પેટીએમ, ફોન પે, ગુગલ પે જેવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતા હતા તેવી કબૂલાત કરી હતી.