સાણંદ : જાપાની કંપનીમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, આ કારણે આગ કાબૂમાં નથી આવી રહી
અમદાવાદ : સાણંદ જીઆઇડીસી ખાતે આવેલી તેમજ સેનેટરી પ્રોડક્ટ્સ ના ઉત્પાદન ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી Unicharm કંપનીમાં બુધવારે વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડ ને હજુ સુધી કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. બુધવારે સવારે 9:00ની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. શરૂઆતના તબક્કે સાણંદ વિરમગામ ધોળકાથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 30 લાખ લીટર કરતાં પણ વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.
24 કલાક બાદ પણ આગ એટલી હદે બેકાબૂ હતી કે છ કિલોમીટર દૂરથી પણ આગના ધૂમાડા જોવા મળી રહ્યા હતા. ફાયર ઓફિસરનું કહેવું છે કે જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો છે ત્યાં શેડના પતરા નમી જવાથી પાણીનો મારો યોગ્ય સ્થળ પર થઈ શકતો નથી. આ જ કારણે આગ પર કાબૂ મેળવી શકતો નથી.
સાણંદ જીઆઇડીસી એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે, છેલ્લા કેટલાય સમયથી અહીં ફાયર સ્ટેશનની માંગ કરી હતી પરંતુ હજી સુધી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સદનસીબે આ કંપનીમાં આગ લાગી તે સમયે કોઈ કામદારો કામ કરી રહ્યા ન હતા, જેનાથી મોટી જાનહાની થતાં અટકી છે.