સુરત: પરિણીતાને તેના ભાઈની આર્થિક મદદ કરવાનું ભારે પડ્યું, પતિએ ગળું કાપીને કર્યો હત્યાનો પ્રયાસ
સુરત: સુરતમાં એક મહિલાની હત્યાના પ્રયાસ નો બનાવ સામે આવ્યો છે. હત્યાનો પ્રયાસ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મહિલાના પતિએ કર્યો હતો. મહિલાએ તેના પતિની જાણ બહાર તેના ભાઈને એટલે કે આરોપીના સાળાને આર્થિક મદદ કરતી હતી. આરોપીએ તેના સાળા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હોવા છતાં પત્નીએ આર્થિક મદદ કરવાનું ચાલુ રાખતા આરોપીએ તેની પત્નીની ગળું કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરિયાદ બાદ પોલીસ દોડી ગઈ હતી.
સુરતમાં એક પરિણીતાને તેના ભાઈને આર્થિક મદદ કરવી ભારે પડી છે. સુરતના ડુમસ રોડ સ્થિત મગદલ્લા ગામના સુમન શ્વેત એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ સર્વેશ્વરપ્રસાદ તિવારીના લગ્ન સાવિત્રી નામની યુવતી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બંનને એક દીકરો અને દીકરી છે. સુરેશ સર્વેશ્વરપ્રસાદ તિવારી કડોદરા જીઆઇડીસી ખાતે ટેક્સટાઇલ યુનિટમાં નોકરી કરે છે. સુરેશે વર્ષ 2016માં નવાગામ ઉમીયાનગર-1 ખાતેનું પોતાનું મકાન વેચી દીધું હતું. આ મકાનની 25 લાખ રૂપિયા કિંમત આવી હતી.
આ દરમિયાન સરેશના સાળાને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે 10 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, તેણે અનેક વખત માંગણી કરી હોવા છતાં તેનો સાળો આ રકમ પરત આપતો ન હતો. આ કારણે સુરેશ અને તેની પત્ની વચ્ચે પણ ઝઘડા થયા હતા. જોકે, પૈસા ન આપતા સુરેશે તેના સાળા સાથેના સંબંધો કાપી નાખ્યા હતા.
આ દરમિયાન સંબંધ કાપી નાખવા છતાં સુરેશની પત્નીએ તેના ભાઈની આર્થિક મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. સુરેશની પત્ની તેના સગા સંબંધીઓ પાસેથી ઉછીને પૈસા લઈને તેના ભાઈની આર્થિક મદદ કરતી હતી. આ વાતની જાણ સુરેશન થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન સુરેશે ચપ્પુ વડે તેની પત્નીના ગળા પર ગંભીર ઈજા પહોંચાડી હતી.