ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા | Former MLA Mahesh Vasava joins Congress before elections in Gujarat

![]()
Dahod News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરુચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં જેમના પરિવારનો દાયકાઓથી દબદબો રહ્યો છે, તેવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દાહોદ ખાતે યોજાયેલી ‘જન આક્રોશ યાત્રા’ના બીજા તબક્કા દરમિયાન તેમણે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે.
જણાવી દઈએ કે, મહેશ વસાવા એ આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાના પુત્ર છે. તેમની રાજકીય સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. તેઓ BTPથી ભાજપ અને હવે કોંગ્રેસમાં જોડાયા છે.
ભવ્ય સ્વાગત અને રાજકીય સમીકરણો
દાહોદમાં જન આક્રોશ યાત્રાના સમાપન સમયે આયોજિત જંગી સભામાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત વાપસીના સંકેત આપી રહ્યા છે.
BTPથી ભાજપ અને હવે કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ કહ્યું કે, ‘ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓને એક કરી લડત આપશે.’ ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણી પહેલા તેઓ પોતાના પિતાની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) છોડી ભાજપમાં જોડાયા હતા. 2025માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.



