નિવૃત્ત પોલીસ કર્મી સસરા પુત્રવધૂને બાથરૂમ ન જવા દેતા, પતિ ધમકાવતો, ‘કામ કર નહીં તો પહેલીની જેમ છૂટાછેડા આપીશ’

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના સાસરિયાઓ તેને ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હોવાથી ખાતાની નોકરીનો દમ મારી તેને બાથરૂમ પણ જવા ન દેતા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.
મેઘાણીનગરમાં રહેતી 36 વર્ષીય મહિલા ઘણા સમયથી તેના પિયરજનો સાથે રહે છે. મહિલાના લગ્ન વર્ષ 2020માં બીજી વખત થયા હતા. લગ્ન બાદ આ મહિલા સાસરે બનાસકાંઠા રહેવા ગઈ હતી. થોડા દિવસ ત્યાં રોકાયા બાદ તે ચાંદખેડા રહેવા આવી ગઈ હતી. લગ્નના બે માસ બાદ મહિલાની સાસુને ફ્રેક્ચર થતા તેના સાસરિયાઓ તેને તેડી ગયા હતા. ત્યારે મહિલાની નણંદ નણદોઈ મહિલાની સાસુની ખબર કાઢવા આવ્યા હતા. ત્યારે ઘરકામ બાબતે તેની સાથે તકરાર કરી હતી. અને મહિલાની નણંદે તેને “તને તો કામ કરવા લાવ્યા છીએ, નહિ કરે તો છૂટાછેડા આપી દઈશું” કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.