गुजरात

બોટાદ ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરાઈ

Anil Makwana

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

ભારત વર્ષના ૭૨ માં પ્રજાસત્તાક પર્વની બોટાદ સરકારી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ રાષ્‍ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય સેનાનીઓના શહિદોને શ્રધ્ધાજંલી પાઠવી દરેકને શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ આપણને આઝાદી અપાવવા પ્રાણ ન્યોછાવર કરનાર સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, નામી-અનામી સૌ શહીદોને વંદન કરતા જણાવ્યું હતું કે ૧૯૪૭ માં આપણે સ્વરાજ પ્રાપ્ત કર્યું અને ૧૯૫૦ માં આપણે એક પ્રજા તરીકે આપણને બંધારણ આપ્યું. તે આપણા રાષ્ટ્રજીવનની અત્યંત મહત્વની ઘટના છે. આ ઘટનાઓ વડે આપણે દુનિયાની સૌથી મોટામાં મોટી લોકશાહી તરીકે ખ્યાતિ પામ્યા છીએ. લોકશાહી દ્વારા આપણે એક પ્રજા તરીકે વિશ્વમાં નામના મેળવી છે. સંપૂર્ણ લોકશાહી ઢબે આપણે સાત દાયકાથી વધુ સમય સુધી લોકશાહીને સુરક્ષિત રાખી છે એ આપણા જનજીવનની મોટામાં મોટી સિદ્ધી છે. આપણા બંધારણે છેક પાયાથી ટોચ સુધીની જે પ્રજાકીય ઈમારત રચી છે, જે ઈતિહાસની અભૂતપૂર્વ ઘટના છે.

ઉત્કર્ષ એ બાબતનો કે આપણે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને વધુ મજબૂત બનાવી આગળ વધ્યા છીએ. આપણે બંધારણની તમામ મર્યાદાઓમાં રહીને પણ સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે. નિષ્કર્ષ એ છે કે આ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશ- ભારતની પ્રગતિ માટે, સોનેરી ભવિષ્ય માટે આપણી સમક્ષ એક જ માર્ગ છે-બંધારણ. આપણું બંધારણ એક પવિત્ર ગ્રંથ છે. જેમાં આપણા જીવન, સમાજ, પરંપરા, માન્યતા અને આપણા આચરણનો સમાવેશ થાય છે. અનેક પડકારોનું સમાધાન આપે છે – આપણું બંધારણ. કેટલાક દિવસો અને પ્રસંગો એવા હોય છે , જે આપણા અતિત સાથે આપણા સંબંધોને નવી મજબૂતાઈ આપે છે. આપણને વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

બોટાદની ધરાએ પણ અનેક વીરપુરુષોની ભેટ ધરી છે. બોટાદને કર્મભૂમિ બનાવનાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય દ્વારા સમાજની અનન્ય સેવા કરી છે. તે જ રીતે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ના રચયિતા કવિ બોટાદકરે જીવનભર સાહિત્ય સેવા તેમજ સમાજ-સેવા કરનાર બોટાદના શ્રી ખાંતીભાઈ દેસાઈ, શ્રી છગનલાલ દવે, શ્રી ભોગીલાલ દોશી, શ્રી રતિલાલ સોમાણી અને શ્રી ગુણવંતરાય વડોદરીયા જેવા સ્વાતંત્ર્યવીરોએ આઝાદીની ચળવળમાં ભાગ લઈ મહામૂલુ યોગદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં આઝાદીના એ કાલખંડમાં સ્વાતંત્ર્યવીરોએ વિદેશી હકૂમત સામે જંગ છેડ્યો હતો. આજે આપણે એક મહામારી સામે ઝઝુમી રહ્યા છીએ. ત્યારે કોરોનાના આ કાલખંડમાં ‘સેવા પરમો ધર્મ’ ના મંત્ર સાથે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે દેશના સામાન્ય માણસની સુરક્ષા માટે ઝઝૂમેલા કોરોના યોદ્ધાઓને ભાવપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે કોરોનાના આ સંકટના સમયે પોતાના જીવની પરવા કર્યા વિના સેવામાં સતત ખડેપગે રહેલા ડોક્ટર્સ, નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ જેવા ફ્રંટલાઈન વર્કર્સની કટિબદ્ધતાના કારણે આપણે આજે કોવીડ-૧૯ પર ઘણા ખરા અંશે નિયંત્રણ મેળવી શક્યા છીએ. જ્યારે વિશ્વના વિકસિત દેશો પણ કોવીડ નિયંત્રણનો પડકાર ઝીલવામાં સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આપણે કોવીડને નિયંત્રિત કરવામાં ભારે મોટી સફળતા મેળવી છે. આપણે સૌ એ દિવાળી અને ઉત્તરાયણ જેવા વિવિધ પર્વોમાં પણ સંયમ જાળવીને આપણી ધીરજનો પરિચય કરાવ્યો છે. આ ધીરજ હજુ પણ દર્શાવવી પડશે. હોળી અને ધુળેટીના પર્વ વખતે પણ સૌને સંયમ જાળવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રીના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ બાદ કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નારાયણસિંધ સાદું, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશ પરમાર સહિતના અધિકારી – કર્મચારીશ્રીઓ, અગ્રણી સહિતના જિલ્લાના આગેવાનો, વિવિધ સંસ્‍થાના પદાધિકારીશ્રીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related Articles

Back to top button