સુરતમાં અનોખી સર્જરી: 18 વર્ષ પછી એન્જિન્યરિંગના વિદ્યાર્થીને મળ્યું ‘ડાયપર મુક્ત’ જીવન
સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ કરોડરજ્જુની જન્મજાત ખામીથી પીડાતા 18 વર્ષીય કિશોરની પેશાબના લિકેજ એટલે કે ‘ન્યુરોજેનિક બ્લેડર’ની અતિ કઠિન અને રાજ્યમાં સૌપ્રથમ સફળ સર્જરી કરીને તેને 18 વર્ષ પછી નવી ‘ડાયપર ફ્રી’ જિંદગીની ભેટ આપી છે.
18 વર્ષ સુધી ડાયપર પહેરતો હતો
અમદાવાદમાં રહેતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા કિશોરનો પરિવાર આ ખાસ પ્રકારની સર્જરી કરાવવા માટે સુરત આવ્યો હતો. કિશોરને નવું જીવન આપનાર ડો. સુબોધ કાંબલે થોડા મહિનાઓ પહેલા જ યુ.કેથી સુરત સ્થાયી થયા છે. કોઈ યુવાન એના જન્મના 18 વર્ષ બાદ પણ દરરોજ ડાયપર પહેરતો હોય ત્યારે તેના માટે કેવી વિચિત્ર પરિસ્થિતિનું સર્જન થતું હશે? તેની માનસિક અને ભાવનાત્મક સ્થિતિની કલ્પના કરવી જ મુશ્કેલ છે. પ્રતિક (નામ બદલ્યું છે) નામના કિશોરે તેના જન્મ બાદ 18 વર્ષ પછી પ્રથમવાર સફળ ઓપરેશન પછી ડાયપર પહેર્યા વિનાની ઘસઘસાટ ઊંઘ માણી હતી.
યુવક અને માતાપિતાને શસ્ત્રક્રિયા પછી ચમત્કાર જેવુ લાગતુ હતું
શસ્ત્રક્રિયાની પ્રથમ રાત્રે 10થી સવારે 07 વાગ્યા દરમિયાન તેણે શાંતિથી મૂત્રાશયની પીડા વગર ઊંઘ માણી હતી. પ્રતિક અને તેના માતાપિતાને આ બધું એક ચમત્કાર જેવું લાગતું હતું. ડૉ. સુબોધ કાંબલેએ આપેલી નવી જિંદગી અને શસ્ત્રક્રિયાની સફળતાથી પ્રતિક અને માતાપિતા ખુબ આનંદિત થયા છે. 18 વર્ષના એન્જિનિયરિંગના હોનહાર વિદ્યાર્થી પ્રતિકની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેના પરિવારે શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા.