સુરત દુર્ઘટનાઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્યની 2-2 લાખની સહાય
સુરતઃ કીમ ચાર રસ્તા નજીક થયેલી કરૂણ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જીવ ગુમાવનારા લોકોના પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ લોકો જલ્દીથી સાજા થઈ જવાની કામના કરી. સુરતમાં સોમવાર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેમાં કિમ રોડ પર એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી દીધા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે, બીજી તરફ 3 લોકો ઘાયલ છે. ઘાયલ લોકોને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ લોકો શ્રમિક હતા અને રસ્તા કિનારે સૂઈ રહ્યા હતા. તે સમયે ટ્રકનું નિયંત્રણ બગડ્યું અને તે સૂતેલા શ્રમિકો પર ચડી ગઈ.
સુરત દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, સુરત ટ્રક દુર્ઘટનામાં લોકોના મોત દુખદ છે. જીવ ગુમાવનારાના પરિવારોને મારી સાંત્વના. દુર્ઘટનામાં ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય એ જ પ્રાર્થના છે.
તેની સાથોસાથ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. આ નાણા પ્રધાનમંત્ર નેશનલ રિલીફ ફંડથી આપવામાં આવશે.