અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ ભારે રહી, પતંગની દોરીએ રાહદારીઓનાં ગળા કાપ્યા, 108ને 2960 કોલ મળ્યા

અમદાવાદ, ઉત્તરાયણ પતંગ ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીના (108) કેસનો આંકડો 2900ને પાર પહોંચી ગયો છે. બેશક આ આંકડો વર્ષ 2020ની સરખામણીમાં ઓછો છે પણ આ વખતેય શહેરમાં દોરી વાગવાને કારણે લોકોનાં ગળા કપાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
ગુજરાતમાં પતંગ ઉત્સવ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. જોકે આ વખતે કોરોનાની ગાઈડ લાઈન અને ધાબા પર લોકોના ટોળા એકઠા ન થાય તે માટે સરકાર એ નિયમો કડક કર્યા હતા. છતાં પતંગ ચગાવનાર લોકોએ મન મુકીને પતંગ ચગાવવાની મજા માણી છે. અને તેની આ મજા કેટલાક લોકો માટે જીવનભરની સજા બની ગઈ છે. અમદાવાદમાં 77 કોલ મળ્યા છે. જેમાં 22 લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે 28 લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે. બાદમાં વડોદરામાં 20, રાજકોટમાં 16 અને સુરતમાં 14 જેટલા કોલ દોરી વાગવા અને નીચે પડવાના મળ્યા છે.