મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 11 ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત | Indiscriminate firing during a football match in Mexico 11 dead

![]()
Maxico firing News : મેક્સિકોના ગુઆનાહુઆતો રાજ્યમાં રવિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ભયાનક ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 12 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો લોમા દે ફ્લોરેસ વિસ્તારમાં થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફૂટબોલ મેચ જોવા માટે એકઠા થયા હતા.
ઘટનાસ્થળે જ 10 લોકોના મોત
હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગને કારણે 10 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. સ્થાનિક મેયરની કચેરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત હજુ પણ નાજુક છે.
તપાસ અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ, સેના અને નેશનલ ગાર્ડના જવાનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી દીધી છે. સત્તાવાળાઓએ હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, હજુ સુધી આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ સ્પષ્ટ થયો નથી.
ગુઆનાહુઆતો: હિંસાનો ગઢ
ગુઆનાહુઆતો રાજ્ય મેક્સિકોનું સૌથી હિંસક રાજ્ય માનવામાં આવે છે. અહીં ડ્રગ માફિયાઓ અને ગેંગ વચ્ચે વર્ચસ્વ જમાવવા માટે વારંવાર સશસ્ત્ર સંઘર્ષ થતા રહે છે. આ વિસ્તાર ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવા છતાં સંગઠિત અપરાધોને કારણે અહીં હત્યાના આંકડા ખૂબ ઊંચા છે. આ હુમલાના થોડા સમય પહેલા જ આ જ શહેરમાં ચાર થેલાઓમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા, જે વિસ્તારમાં વધતી હિંસાની ગંભીરતા દર્શાવે છે.
સરકારના સુરક્ષા દાવાઓ સામે સવાલ
મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબૌમે તાજેતરમાં દાવો કર્યો હતો કે 2025માં દેશમાં હત્યાનો દર છેલ્લા દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. સરકારી આંકડા મુજબ 2025માં પ્રતિ લાખ વસ્તીએ 17 હત્યાઓ નોંધાઈ હતી. જોકે, ફૂટબોલ મેદાન પર થયેલા આ તાજા નરસંહારે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.



