રાજકોટઃ જેતપુરના પીઠડીયાની ગુમ થયેલી યુવતીની લાશ કૂવામાંથી મળી, પરિવારમાં ભારે આક્રંદ

રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રહેતી શીતલ રામજીભાઇ ચાવડા નામની યુવતી છેલ્લા બે દિવસથી ગુમ હતી. ત્યારે બે દિવસ બાદ યુવતીની લાશ ગામના જ કૂવામાંથી મળી (girl dead body found in well) આવતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. સમગ્ર ચાવડા પરિવારમાં આક્રંદનો માહોલ છવાઇ ગયો હતો. દીકરી ગુમસુદા થઈ છે તે બાબતની ફરિયાદ શીતલ ચાવડાના પિતા રામજીભાઈ ચાવડાએ વિરપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારના રોજ પીઠડીયા ગામ પાસે આવેલા એક ખેતરમાં કૂવામાં કોઈ એક યુવતીની તરતી હાલતમાં લાશ નજરે પડી હતી. જે બાબતની જાણ પ્રાગજીભાઈ ગોંડલીયા વીરપુર પોલીસને કરી હતી.
સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી વિરપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી તેમજ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી યુવતીની લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
બે દિવસ થી યુવતીની લાશ પાણીમાં પડી રહેવાથી કોહવાઇ ગયેલી હતી જેના કારણે તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ શીતલ ચાવડાના પિતાએ પોતાની ગુમસુદા થયેલ પુત્રીનો જે પહેરવેશ ફરિયાદમાં જણાવ્યું હતો તેજ પહેરવેશ.
મૃતક યુવતી શરીર ઉપરથી મળી આવતા સમગ્ર મામલે વિરપુર પોલીસ દ્વારા ચાવડા પરિવારને જાણ કરવામાં આવી હતી. યુવતીની લાશ મળી આવ્યાની જાણ થતાં ચાવડા પરિવાર ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ ત્યાર બાદ યુવતીની લાશ જોઈ તે લાશ પોતાની પુત્રીની હોવાનું રામજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
ત્યારબાદ વિરપુર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સાથોસાથ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે કે પછી કોઈએ તેની હત્યાને આપઘાતમાં ખપાવવા નો પ્રયત્ન કર્યો છે તે અંગે પોલીસ તપાસ શરૂ છે.