કોરોના વાયરસ અંગે રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી કબૂલાત ?
અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાતમાં કોરોનાવાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં સરકારે મોટી કબૂલાત કરી છે કે, કોરોનાવાયરસને લગતી માહિતી સીમિત છે. સરકારે કહ્યું છે કે, આ વાયરસ એક વર્ષ જૂનો વાયરસ હોવાથી વાયરસ અંગે સીમિત માહિતી છે. આ સંજોગોમાં સાવચેતીમાં જ સલામતી એ સૂત્રને અપનાવીને કામ કરવું પડશે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું તેમાં કહ્યું છે કે, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. આ ઉપરાંત તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. તેમણે કહ્યું કે, માસ્ક અહીં પહેરનારા કુલ 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. અત્યાર સુધીમાં અંદાજીત 116 કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો છે. તેમણે રજૂઆત કરી કે, સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા 900 એમબીબીએસ ડોક્ટર અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષ માટે સેવાના હુકમો કરાયા છે. એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા 6597 વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગ ની કામગીરી સોંપાઈ છે.
સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે અને અત્યાર સુધીમાં 2,37,247 કુલ દર્દી આવ્યા છે. હાલમાં 11397 એક્ટિવ કેસ છે કે જેમાં 64 વેન્ટિલેટર પર છે જ્યારે 11333 સ્ટેબલ દર્દી છે. અત્યાર સુધીમાં 221602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4248નાં મૃત્યુ થયાં છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર છે. અમદાવાદમાં હાલ 8500 થી વધુ બેડ ઉપલબ્ધ છે અને હાલ કુલ ૧૧ ટકા જેટલા જ બેડ ઓક્યુપાય થયેલા છે. ધનવંતરી રથથી રોજના ૧૦,૦૦૦ લોકોની તપાસ કરાય છે અને છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદના ૧૮ લાખ લોકોએ ધનવંતરી રથનો લાભ લીધો છે.