મોટેરા સ્ટેડિયમમાં જય શાહની ટીમ, સૌરવ ગાંગુલીની ટીમ સામે ફ્રેન્ડલી મેચમાં 28 રને જીતી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદ ખાતે આજે ગુરૂવારે યોજાશે. તે પહેલા BCCIના હોદેદારો અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. અહીં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે બુધવારે બપોરે 3 કલાકે એક ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. મેચ પહેલાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયાં હતાં. જય શાહ અને સૌરવ ગાંગુલીની ટીમ વચ્ચે 12-12 ઓવરની ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. જેમાં સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમ 28 રને વિજેતા બની હતી.
સૌરવ ગાંગુલીએ માર્યા 53 રન
પ્રથમ બેટીંગ કરતાં સૌરવ ગાંગુલીની ટીમે (પ્રેસિડેન્ડXI) 4 વિકેટે 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં સૌરવ ગાંગુલી સૌથી વધુ 53 રન બનાવ્યાં હતાં. તેની સામે જય શાહની ટીમે (સેક્રેટરીXI) 12 ઓવરમાં ત્રણ વિકેટે 128 રન કર્યા હતાં. જેમાં જય શાહે સૌથી વધુ 38 રન બનાવ્યા હતાં.
મેચ બાયોબબલમાં રમાડવામાં આવી
ત્યારે કોરોના સમયમાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમજ સેફ્ટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ મેચ પણ બાયોબબલમાં રમવામાં આવી હતી. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. અહીં ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. તે સિવાય ઇંગ્લેન્ડ સિરીઝની ચોથી મેચ પણ અહીં જ રમાશે.