गुजरात

વડોદરા : PSI રૂ 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા

વડોદરા: ખાખી પર દાગ લગાવતો વધુ એક બનાવ વડોદરા શહેરમાં નોંધાયો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથક ના પીએસઆઈ રાહુલ પરમાર  લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આ માટે એસીબી (Anti-corruption Bureau)એ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI રાહુલ પરમારે એક અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. પીએસઆઈની આવી માંગણી બાદ ફરિયાદી વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે પોલીસ ચોકીમાં ટ્રેપ ગોઠવી હતી. અહીં તેઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

એવી પણ માહિતી મળી છે કે પીએસઆઈ તરફથી જમીન વિવાદની અરજીમાં સમાધાન કરાવી અરજીનો નિકાલ કરવા માટે રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ પીએસઆઈ ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન અને તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગને લાંછન લાગે તેવા બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. બે દિવસ પહેલા જ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ પહેલા લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સામે પણ ત્રણ યુવકોને જાતિવિષયક શબ્દો કહીને માર મારવાનો ગૂનો દાખલ કવરામાં આવ્યો છે.

Related Articles

Back to top button