ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons for mahayuti victory

5 Reasons for Mahayuti Victory: મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ઇતિહાસ રચ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી બીએમસી પર ચાલી આવતા ઠાકરે પરિવારના વર્ચસ્વનો અંત આવ્યો છે અને ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે. શુક્રવાર સુધીના આંકડા મુજબ, ભાજપ 88 બેઠકો પર લીડ મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જેની સાથે હવે મુંબઈમાં પ્રથમવાર ભાજપનો મેયર બનવાનો માર્ગ મોકળો થયો છે.
આ ઐતિહાસિક જીત પાછળના 5 મુખ્ય કારણો
1. પીએમ મોદીનું નેતૃત્વ અને વિકાસનું વિઝન
ભાજપની આ જીતનો સૌથી મોટો શ્રેય પીએમ મોદીના નેતૃત્વ અને તેમના વિકાસના વિઝનને જાય છે. છેલ્લા એક દાયકાથી જનતાનો પીએમ મોદી પરનો ભરોસો અતૂટ રહ્યો છે, જેની અસર મુંબઈમાં પણ જોવા મળી. દેવેન્દ્ર ફડણવીસે પણ સ્વીકાર્યું કે પીએમ મોદીના નેતૃત્વને કારણે જ વિપક્ષો પાસે કોઈ મજબૂત વિકલ્પ રહ્યો નથી.
2. શિવસેનામાં ભંગાણની અસર
વર્ષ 2022માં શિવસેનામાં પડેલા ભંગાણનો સીધો ફાયદો ભાજપને થયો છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની ‘શિવસેના UBT’ના મતો તોડ્યા છે. શિંદે જૂથે 28 વોર્ડ જીતીને મહાયુતિની તાકાત વધારી, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની પકડ નબળી પડી અને સત્તા ભાજપ તરફ સરકી ગઈ.
3. મતદારોનું ધ્રુવીકરણ(મરાઠી વિરુદ્ધ ઉત્તર ભારતીય)
આ ચૂંટણીમાં રાજ ઠાકરેની MNS અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચેના ગઠબંધનથી ઉત્તર ભારતીય મતદારો નારાજ થયા હોય તેમ જણાય છે. ભૂતકાળમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ MNSના વલણને કારણે આ મોટો મતદાર વર્ગ ભાજપ તરફ વળ્યો. જ્યારે મરાઠી મતો વહેંચાઈ ગયા, ત્યારે ભાજપને મજબૂત ઉત્તર ભારતીય સમર્થન મળ્યું.
આ પણ વાંચો: 46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
4. દેવેન્દ્ર ફડણવીસનો આક્રમક ચૂંટણી પ્રચાર
ભાજપે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી હતી. ખુદ દેવેન્દ્ર ફડણવીસે મોરચો સંભાળ્યો અને ભાજપના તમામ મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ઠાકરે બંધુઓની રેલીઓમાં ભલે ભીડ ઉમટી હોય, પરંતુ ભાજપનું માઈક્રો-પ્લાનિંગ અને આક્રમક પ્રચાર તે ભીડને મતોમાં ફેરવવામાં સફળ રહ્યું.
5. સત્તા વિરોધી લહેર
લગભગ 30 વર્ષ સુધી BMC પર ઠાકરે પરિવારનું શાસન રહ્યું હતું. લાંબા સમય સુધી એક જ પક્ષનું શાસન રહેવાથી જનતામાં પરિવર્તનની ઈચ્છા જાગી હતી. ઉદ્ધવ ઠાકરે સામેની આ સત્તા વિરોધી લહેરનો ભાજપ અને શિંદે જૂથે પૂરો ફાયદો ઉઠાવ્યો, જે અંતે મહાયુતિની જીતમાં પરિણમ્યો.




