गुजरात

અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા પાંચ જ દિવસમાં શહેરમાં કોરોનાથી 47 લોકોના મોત

અમદાવાદઃ દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે ગ્રામ્યમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે છેલ્લા પાંચ દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાથી કુલ 47 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે તારીખ પ્રમાણે જોઇએ તો ગઈ કાલે 25મી તારીખે અમદાવાદ શહેરમાં કોરોનાના 326 કેસ નોંધાયા હતા. જ્યારે 9 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગત 24 તારીખે 323 કેસ નોંધાયા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા.

ગત 23મી તારીખે 319 કેસ નોંધાયા હતા, જ્યારે 13 લોકોના મોત થયા હતા. 22 તારીખે 318 કેસ નોંધાયા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા અને ગત 21 તારીખે 354 કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત થયા હતા. આમ કુલ, 5 દિવસમાં 47 લોકોના મોત થયા છે. જ્યારે 5 દિવસમાં કુલ 1682 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં પૂર્વ કરતા પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. બોડકદેવના ઇન્દ્રપ્રસ્થમાં 800 અને નવરંગપુરાના અનલ ટાવરમાં 793 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. અત્યારે અમદાવાદમાં 224 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 9, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 8, વેસ્ટ ઝોનના 4, નોર્થ વેસ્ટ ઝોનના 6 અને નોર્થ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

વેસ્ટ ઝોનમાં આવેલા નવરંગપુરા વિસ્તારના અનલ ટાવરમાં 190 ઘરોમાં રહેતા 793 જેટલા લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બોડકદેવ વિસ્તારમાં આવેલા સુરેલ એપાર્ટમેન્ટમાં રહેતા 650 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂક્યા છે. નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલા થલતેજ વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં 800 લોકો અને ગોતા વિસ્તારમાં આવેલા યુનિક આશિયાનામાં 100 ઘરોના 400 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 10 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, નોર્થ વેસ્ટ 2, સાઉથ ઝોનના 3, સાઉથ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Related Articles

Back to top button