દારૂ અને જમીનના કેસમાં રાજ્યના ડીજીપીએ 2 પોલીસ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
DGP આશિષ ભાટિયા દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવાની ઘટના સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગુનામાં સામેલ પી.આઇ.ને સસ્પેન્ડ કર્યા છે. તા. ૨૪/૧૧/૨૦૨૦ના રોજ આણંદ જીલ્લાના તારાપુરમાં ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવા માટે એક પી.આઇ. સહિત અન્ય ૫૦થી ૭૦ જેટલા લોકો દ્વારા તોડફોડ કરવા અંગેનો તથા ત્યાં આવેલ દુકાનોમાં લૂંટ કરવા અંગેનો એક ગુનો તારાપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૪૭, ૪૪૮, ૩૫૪, ૩૯૫, ૪૨૭ હેઠળ દાખલ થયો છે.
આ ગુનામાં આરોપી તરીકે સામેલ આણંદ જીલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ગોહીલને પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને પોલીસ અધિકારી તરીકે ન શોભે તેવું કૃત્યુ કરેલ હોવાથી રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાની અમદાવાદ રેન્જ આઇ.જી.પી. દ્વારા પી.આઇ. ડી.એસ. ગોહીલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ત્યારે બીજી બાજુ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા થયેલી દારૂની રેઇડના પગલે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
તારીખ ૨૪/૧૧/૨૦૨૦ના રોજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ચાર અલગ-અલગ જગ્યાઓએ દારૂના દરોડા પાડવામાં આવ્યા હતા. આ ચાર દરોડામાં કુલ આશરે રૂા. ૨.૧૫ લાખની કિંમતનો ગેરકાયદેસરનો દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો.