સુરત: આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ
સુરત: શહેરમાં ગુનાખોરીના બનાવો અટકાવાનું નામ નથી લેતા. અહીં ફરી એક વખત માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે 19 વર્ષીય યુવાને ઘર નજીક રહેતી આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકીએ આ અંગે પોતાની માતાને વાત કરતા મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવારે યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમને ઝડપી પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં ફરી એકવાર શરમજનક બનાવ સામે આવ્યો છે. મૂળ બિહારના વતની અને સુરતમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના માન સરોવર સોસાયટી પાસે રહે છે. મોડી સાંજે તેની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો અને ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરતો રાજસ્થાની યુવાન વિક્રમ રાજપૂત બાળકીને આઇસક્રિમ ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો.