આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે: પસંદગી તમારી માસ્ક પહેરશો કે એક હજાર રૂપિયાનો દંડ આપશો
દિવાળી પહેલા ખરીદી કરવાના બહાને લોકોએ બજારોમાં ભારે ભીડ કરી અને રજાઓમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે ગયા એટલું જ નહીં પરંતુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે ગુજરાત સરકારે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લગાવી દીધો હતો. જે આજે, સોમવારે સવારે 6 કલાકે પુરો થયો છે. હવેથી જ્યાં સુધી ફરીથી સૂચના ન મળે ત્યાં સુધી રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાતે 9 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આજથી આ ચારેય મહાનગરોમાં પોલીસ મિશન માસ્ક શરૂ કરવાની છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલવાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે.
માસ્ક નહીં તો 1000 રૂપિયાનો થશે દંડ
નોંધનીય છે કે, રવિવારે સાંજે ગુજરાતીઓને મુખ્યમંત્રીવિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. જેમા તેમણે યુવાઓને અપીલ કરી હતી કે, સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર અવર જવર કરે નહિ. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે. મુખ્યમંત્રીએ કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. 1000/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે.