‘મારા દીકરા સાથે ‘સંબંધ’ રાખવા વાળી મળી રહેશે,’ અમદાવાદના સાસરિયાઓનો વિકૃત ત્રાસ
અમદાવાદ: એક મહિલાએ તેના પતિ સામે સોલામાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને તેની સાસુએ પુત્રને જન્મ આપવા દબાણ કરી પુત્રી જન્મશે તો ફેંકી દેશે તેવી ધમકી આપી હતી. આટલું જ નહીં યુવતીના પતિને અન્ય યુવતી સાથે અફેર પણ હતું. અને યુવતીની સાસુ પુત્રવધૂને કહેતી કે તેના દીકરા સાથે સુવા વાળી અને તેને સાચવવા વાળી મળી રહેશે. કંટાળીને આ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ અમદાવાદ માં રહેતી 38 વર્ષીય મહિલા મૂળ જૂનાગઢની છે. અને તેના લગ્ન જૂનાગઢ ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2003માં થયા હતા. આ મહિલાને સંતાનમાં બે બાળકો છે. લગ્નના થોડા વર્ષ બાદ જ કામકાજ બાબતે આ મહિલાની સાસુ તેને હેરાન કરી પતિ પાસે માર ખવડાવતી હતી.
એટલું જ નહીં સાસુ અને દિયર ભેગા મળી અંધશ્રદ્ધામાં માનીને માર મારતા હતા. સાસુ આ મહિલાને એવું પણ કહેતી કે દિયરમાં પિતૃનો વાસ છે એટલે તને મારે છે. સાસુ અવાર નવાર પતિ સાથે આ મહિલાને બેસવા પણ દેતી નહીં અને રસોઈ બનાવી જમવાનું પણ ન આપી કહેતી કે જે કમાય તે ખાય.
બાદમાં મહિલા ગર્ભવતી થતા તેને સાસુએ કહ્યું કે દીકરાનો જ જન્મ થવો જોઈએ. જો દીકરીને જન્મ આપીશ તો નીચે ફેંકી દઈશ. સાસુ આ મહિલાને કહેતી કે તેના દીકરા સાથે સુવા વાળી અને સાચવવા વાળી મળી રહેશે. આટલું જ નહી આ મહિલાની સાસુ જ્યારે મહિલાના પિયરમાંથી તેના માતા-પિતા તેને પૈસા આપે તે પણ લઈ લેતી હતી. જ્યારે આ હેરાનગતિ ની વાત મહિલા તેના પતિને કરતી તો તેનો પતિ આ વાત માનતો નહીં અને મહિલાને માર મારતો હતો.