સુરત : કોઝવેમાં નહાવા પડેલા 3 કિશોર ડૂબ્યા, બેનો બચાવ એકનું મોત, રિક્ષા ચાલક પિતાએ પુત્ર ગુમાવ્યો
સુરત : સુરતમાં કોઝવેમાં ડૂબી જવાના કારણે એક બાળકનું મોત થતા દિવાળીના પર્વમાં માતમ છવાયો છે. શહેરના ચોકબજાર કોઝવેમાં ભગવવાને ચઢાવેલા ફૂલહાર અને ફોટોને પધરાવ્યા બાદ ત્રણ બાળકો નહાવા પડ્યા હતા. જોકે, જોત જોતામાં તો આ ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. દરમિયાન તરવૈયાઓએ બાળકોને ડૂબતા જોઈને તાપીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા કિશોરોને બચવવાનો પ્રયાસ કર્યો હતો. તરવૈયાઓની સમયસૂચકતાના કારણે બે બાળકોનાં જીવ બચાવવામાં સફળતા મળી હતી પરંતુ એક બાળક મોતને ભેટ્યો હતો. ડૂબી ગયેલો બાળક 10માં ધોરણનો વિદ્યાર્થી હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને બાળકના મૃતદેહને કોઝવેમાંથી શોધી બહાર કાઢ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારના વેડ રોડ પર આનંદપાર્ક સોસાયટીમાં રહેતા ગિરજાશંકર ઉપાધ્યાયનો 16 વર્ષનો દીકરો કલ્પેશ અને બીજો 14 વર્ષિય પુત્ર રવિ અને તેમની નજીકમાં રહેતા મિત્ર 13 વર્ષિય સત્યમ જંદા આજે સવારે ચોક બજાર વિસ્તારમાં કસરત કરવા ગયા હતા. બાદમાં કસરત કરીને ત્રણેય ઘરે નાસ્તો કરવા આવ્યા હતા. બાદમાં ફરી બે ભાઈ અને તેમનો મિત્ર સત્યમ ઘરના ફૂલહાર અને ભગવાનના જુના ફોટાઓ કોઝવેના પાણીમાં પધરાવવા ગયા હતા.