કોરોનાનો ડર ક્યાં? દિવાળી પહેલા બજારોમાં ભારે ભીડ, સાચવજો- કેસોની સંખ્યામાં સતત વધારો
રાજ્યમાં જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોના સંક્રમણનાં આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. એકબાજુ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને બીજી બાજુ લોકો તહેવાર માટે ખરીદી કરવા માટે બજારોમાં (crowd in market) ઉમટી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. બુધવારે સાંજે મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં
કુલ 1125 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 1352 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે આજે રાજ્યમાં જુદા જુદા શહેરમાં 5 દર્દીનાં દુખદ નિધન થયા છે.
ગુજરાત સરકાર લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે સમજાવી રહી છે ત્યારે જાણે લોકોને કોરોનાની પડી જ નથી અને કોઇ જ ડર નથી તેવી સ્થિતિ સર્જાઇ હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજ્યના મોટા શહેરોમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે નિષ્ણાતો પણ આ ભીડ જોઇને સંક્રમણ ઘણું વધશે તેની દહેશત જણાવી રહ્યાં છે.
લોકો ખરીદી માટે પડાપડી તો કરી રહ્યાં છે પરંતુ તેની સાથે કોરોનાની કોઇ જ ગાઇડલાઇન પાળવામાં નથી આવતી. ભીડમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યાં છે તો સોશિયલ ડિસ્ટન્સની તોવાત જ ક્યાં. લોકોને જાણે લાગી રહ્યું છે કે, કોરોના આપણને નહીં થાય. તો બીજીબાજુ કોરોનાના કેસો અનેક વિસ્તારોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે.