અમદાવાદ : સગીરાને પૂર્વ સાથી કર્મચારીએ આપી ધમકી, ‘મારી સાથે ફ્રેન્ડશીપ રાખ નહિ તો…’
અમદાવાદ : નારોલમાં રહેતી 15 વર્ષીય સગીરા અગાઉ કેટરિંગનું કામ કરતી હતી ત્યારે તેની સાથે એક યુવક કામ કરતો હતો. બાદમાં આ યુવક આ સગીરાને ફોન કરીને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં યુવકની માતા સગીરાના ઘરે ગઈ અને જાતિવિષયક શબ્દો બોલી પરિવાર ને અપમાનિત કર્યો હતો. જેથી સગીરાના પિતાએ નારોલમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નારોલમાં રહેતા 51 વર્ષીય આધેડ તેમના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેમને સંતાનમાં 16 વર્ષની અને 15 વર્ષની પુત્રી છે. 16 વર્ષની પુત્રી ધોરણ 11માં અભ્યાસ કરે છે જ્યારે 15 વર્ષની પુત્રી હોસ્પિટલમાં નર્સિંગનો કોર્સ કરે છે. આધેડની 15 વર્ષીય પુત્રી અગાઉ છૂટક કેટરીંગમાં કામે જતી હતી. ત્યારે ત્યાં પીરસવાનું કામ કરતાં જૈનેશ ઉર્ફે દશરથ ઠાકોર પણ આવતો હતો અને તે આ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આ જૈનેશે આ સગીરાને તેના નંબર ઉપરથી ફોન કરવાનું શરૂ કર્યું હતું અને ફોનમાં ફ્રેન્ડશીપ કરવા બાબતે અભદ્ર ભાષા બોલી એક વર્ષથી આ હરકત કરતો હતો.
સગીરાએ કંટાળીને ગયા મહિને તેના માતા-પિતાને આ બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, જૈનેશ તેને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરે છે અને હેરાન કરે છે. જેથી સગીરાની માતાએ આ જૈનેશને આ બાબતે સમજાવી ઠપકો આપ્યો હતો.