રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી પ્રિયંક સિંગ, રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી રાજકોટ ના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.