અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યા, સોલા બાદ કાગડાપીઠમાં નજીવી તકરારમાં ખેલાયો ખૂની ખેલ
અમદાવાદ: શહેરમાં સતત બીજા દિવસે હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો છે. મંગળવારે સોલા માં એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીમાં છરીના ઘા મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયું છે.
બહેરામપુરા મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ધર્મેશ કબીરાએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગઇકાલે રાત્રે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેનો નાનાભાઈ જયદીપ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેમના મોટાભાઈ અજયને હિતેશ પરમાર નામના વ્યક્તિએ પંડિત નહેરુ સ્કૂલ પાસે સીઓની કોલોની નજીક ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.
જ્યાં જોયું તો તેનો મોટોભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જે બાદમાં તેને 108 મારફતે એલ. જી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.