Gujrat Bypoll : આજે 8 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ, ભાજપ કોંગ્રેસ બંનેની આબરૂ દાવ પર
અમદાવાદ : કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં પહેલીવાર મતદારો આજે મતદાન કરશે. વિધાનસભાની 8 બેઠકો પર યોજનાર પેટાચૂંટણીની તમામ તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી છે. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે. આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. 21 લાખ પોલિથીન હેન્ડ ગ્લોઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીની વિશેષતા એ હશે કે તેમાં મતદારોમાં કોરોના પોઝિટિવ દર્દી માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીઓ સાંજે મતદાન કરી શકશે. રાજ્યમાં 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે ખરાખરીનો ખેલ, કોના સોગઠા ચાલશે, પરિવર્તન કે પુનરાવર્તન? મતદારો આપશે જવાબ
આ પેટાચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની 8 બેઠકોમાં કચ્છની અબડાસા, સુરેન્દ્રનગરની લીંબડી, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, વડોદરાની કરજણ, ડાંગ આહવાની ડાંગ, વલસાડની કપરાડા, અને મોરબીની મોરબી-માળિયા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કૉંગ્રેસ પર જંગ છે જ્યારે કેટલાક સ્થાનિક પક્ષો અને અપક્ષો પણ ચૂંટણી મેદાને છે. આ તમામ બેઠકો પર અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યો સત્તા પર હતા.