અમદાવાદ: પોલીસીના નાણા, બોનસ અપાવવાનું કહીને ગઠિયા વૃદ્ધ પાસેથી 5.29 લાખ પડાવી ગયા
અમદાવાદ: વીમા પોલીસીના નાણા, પ્રોફિટ અને બોનસ અપાવવાની લાલચ આપી ચારેક લોકોએ સિનિયર સીટિઝન સાથે ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. આ તમામ લોકોએ પોતાની ઓળખ વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી. જમીન ડેવલપમેન્ટને લગતું કામ કરી હાલ નિવૃત્ત જીવન ગુજારતા વૃદ્ધ સાથે પોલીસીના નાણા બોનસ અને પ્રોફિટ આપવાના બહાને ઠગાઈ થતા તેઓએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી પ્રીતમ નગર સોસાયટીમાં રહેતા 82 વર્ષીય ધીરજભાઈ મંગળદાસ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ સિવિલ એન્જિનિયર તરીકે જમીન ડેવલોપમેન્ટમાં કામકાજ કરતા હતા. તેમના પત્ની ઘરકામ કરે છે અને દીકરી લેબોરેટરીમાં નોકરી કરે છે. વર્ષ 2012 અને 2013માં પોલીસી એજન્ટ મારફતે તેઓએ બે કંપનીની લાઈફ ઈન્સ્યોરન્સની પોલીસી વન ટાઈમ પ્રીમિયમ લેખે લીધી હતી. જેનું એક પ્રીમિયમ ભર્યું હતું પરંતુ પોલીસીના ડોક્યુમેન્ટ મળતા તેમાં દર વર્ષે પ્રીમિયમ ભરવાની શરતો હોવાથી આગળના પ્રીમિયમ ભર્યા નહોતા.