આખરે શ્રેય હૉસ્પિટલ આગકાંડમાં FIR નોંધાઈ, અન્ય ડિવિઝનના એસીપી કરશે તપાસ
અમદાવાદ : શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં સર્જાયેલા આગકાંડમાં હવે સરકારને તપાસ રિપોર્ટ સોંપાયા બાદ આખરે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, તેઓને ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિસિટી સહિતના તમામ વિભાગોના તપાસ રિપોર્ટ મળી ગયા છે અને બાદમાં તે આધારે જ ગુનો નોધવામાં આવ્યો છે. મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે હાલ આ ફરિયાદ નોંધાઈ છે અને આગામી સમયમાં અન્ય ટ્રસ્ટી કે અન્ય કોઈ પણ જવાબદાર લોકોનો કોઈ રોલ સામે આવશે તો તે લોકો સામે પણ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, બનાવ બન્યો ત્યારથી જ ટ્રસ્ટી ભરત મહંતને નજરકેદ રાખવામાં આવ્યા હતા.
અમદાવાદની નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે રવિવારે મોડી રાત્રે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે, FSLના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, જે સમયે આગ લાગી તે આઈ.સી.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દીવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રુથી ફીટ કરવામાં આવેલી હોવાથી ધૂમાડો બહાર ન નીકળી શક્યો હતો. અને તેના કારણે દર્દીઓના ગૂંગળાઈને મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી હતું પણ તે એક્સપાયર થઈ જતા રીન્યુ કરી શક્યા ન હતા. તેને કારણે ફાયર ઓડિટ પણ થઈ શક્યું ન હતું. તેમજ જે વોર્ડમાં આગ લાગી ત્યાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે.