અમદાવાદનાં આ વિસ્તારમાં જાહેર કરાયુ સ્વૈચ્છિક લૉકડાઉન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહ્યો છે પરંતુ ગયો નથી. ત્યારે અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં લોકોએ સ્વંભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં 6 લોકોના કોરોનાથી મોત થતા આ નિર્ણય લેવાયો છે. રાણીપની 55 જેટલી સોસાયટીએ બંધને સમર્થન આપ્યું છે. જેથી 10 દિવસ માટે એટલે કે, 4 નવેમ્બર સુધી આ લૉકડાઉન રહેશે.
દુકાનદારો અને નોકરીયાત પણ માન્યા
મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારની 55 સોસાયટીમાં થોડા જ દિવસમાં કોરોના સંક્રમણનાં 60થી 70 કેસ નોંધાયા હતા જેમાથી 6 લોકોના મૃત્યુ થયા છે. જેથી રહીશોએ આ પહેલ કરી છે. આ વિસ્તારમાં આવેલા પાર્થ અને પવનપુત્ર ફ્લેટમાં પણ કોરોનાના 30 જેટલા કેસ મળ્યા હતા. સામાજિક સંસ્થાઓએ બેનરો લગાવીને લૉકડાઉનનો પ્રચાર કર્યો હતો. આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. દુકાનદારોએ પણ તેમની વાત માની છે. નોકરિયાતો નોકરીએથી આવ્યા પછી ઘર બહાર ના નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
રાણીપ વિસ્તાર સૂમસામઅમદાવાદનાં રાણીપ વિસ્તારના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યાં હતા. રાણીપ વિસ્તારમાં આવેલ રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં 6 લોકોના કોરોનાથી મોત થતા આ નિર્ણય લેવાયો છે. કેટલીક સામાજિક સંસ્થા અને રાણીપનાં રહીશો સ્વૈચ્છિક લૉકડાઉનમાં જોડાયા હતા. આ વિસ્તારમાં 10 દિવસ લૉકડાઉન રહેશે.