મોઢવાડિયાનો PM મોદી પર કટાક્ષ, ‘મને પકડો મને પકડો, હું તલવાર લઈને મારી નાખીશ, પરંતુ તેમને પકડ્યા છે કોણે?’
સુરેન્દ્રનગર: હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટી તરફથી તમામ બેઠકો પર પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. આ પહેલા આ તમામ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારો વિજેતા હતા. તમામ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ આ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે, ત્યારે લીંબડી બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આ બેઠક પર પણ બંને પક્ષોએ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે. ત્યારે આ બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતા કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા એ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
‘મને પકડો…મને પકડો…તમને પકડ્યા છે કોણે?’
અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “ચીન ભારતમાં ઘૂસી ગયું, પાકિસ્તાન દરરોજ ઘુરકિયાં કરે છે અને મોદી સાહેબ ચૂંટણી આવે એટલે તલવારો ફેરવે છે. મને મૂકી દો નહીં તો હું મારી આવીશ, મને મૂકી દો. પણ તમને પકડ્યા છે કોણે એ તો કહો? મારી આવો. ચૂંટણી પર આપણને એમ થાય કે તેઓ હમણા જ તલવાર લઈને પાકિસ્તાન પહોંચી જશે. ગામડામાં ઘણા એવા હોય છે કે જેઓ કહેતા હોય છે કે મને મૂકી દો. આમનું (મોદી સાહેબ) એવું છે.”
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હું કે, “રસ્તા અને એસ.ટી. બસ સ્ટોપ કૉંગ્રેસે બનાવ્યા છે. 25 વર્ષ પહેલા 10 હજાર એસ.ટી. બસ દોડતી હતી, આજે છ હજાર જ દોડે છે. વસ્તીમાં ત્રણ ગણો વધારે થયો પરંતુ બસની સંખ્યા ઓછી થઈ ગઈ. ખાનગી બસો શરૂ થઈ ગઈ. બધા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ કૉંગ્રેસે બનાવ્યા છે. તમે એસ.ટી. ડેપો વેચવાનું કામ કર્યું છે. “
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કૉંગ્રેસ નેતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી વહિવટી તંત્રનો દુરૂઉપયોગ કરીને સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરી રહ્યું છે. પાસામાં પૂરાયેલા ઘણા અસામાજિક તત્વોને ચૂંટણી માટે જેલ બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ નિર્દોષ લોકોને પાસા જેવા ખોટા કેસમાં ફિટ કરીને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.”
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અનેક અધિકારીઓ ભાજપનું પીઠું બનીને કામ કરી રહ્યા છે. આ તમામ વિરુદ્ધ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. લૉકડાઉનની અંદર પ્રજાએ ખૂબ ભોગવ્યું છે, ખેડૂતો પરેશાન છે, શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, યુવાનો બેરોજગાર છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખરીદ-વેચાણ સંઘ ઊભો કરીને ધારાસભ્યોને લલચાવીને રાજીનામા અપાવ્યા છે. આથી આ ચૂંટણીમાં કૉંગ્રેસના નિષ્ઠાવાન ઉમેદવારોની જીત નિશ્ચિત છે.